દેશમાં જ્યારે જ્યારે પણ શહીદોની કુરબાનીની વાત આવે છે ત્યારે લાન્સ નાયક એલ્બર્ટ એકકાનું નામ જરૂર સામેલ કરવામાં આવે છે. મરણોપરાંત જેમને પરમવીર ચક્રથી બિરદાવવામાં આવેલ એવા લાન્સ નાયક એલ્બર્ટ એક્કાએ અભૂતપૂર્વ વીરતાનું પ્રદર્શન કરીને સન્ ૧૯૭૧ ના યુદ્ધમાં દુશ્મનોને છઠ્ઠી નુ ધાવણ યાદ અપાવવામાં કોઇ કસર બાકી મૂકી નહોતી.
૩ ડિસેમ્બર , ૧૯૭૧ ના દિવસે ક્ષત્રુઓ સાથેની લડત દરમિયાન એક્કાએ દેશ માટે પોતાના જીવની કુરબાની આપી દીધી. આ લડતમાં પાકિસ્તાન ખૂબ જ ખરાબ રીતે હાર્યું. અને મિત્રો આ લડત દરમિયાન જ બાંગ્લાદેશનો જન્મ થયો. એક્કાનો જન્મ ૨૭ ડિસેમ્બર ૧૯૪૨ ના રોજ ઝારખંડના ગુમલા રાજ્યના ડુમરી નગરમાં આવેલ જરી ગામમાં થયો હતો.
એવું કહેવામાં આવે છે કે તેમને સૈન્યમાં જવાની ઇચ્છા પહેલેથી જ હતી અને તે ઇચ્છા ડિસેમ્બર ૧૯૬૨ માં પૂરી પણ થઈ હતી. ફોજમાં ભરતી થયા બાદ તેમણે બિહાર રેજીમેન્ટથી પોતાની ફરજ બજાવવાની શરૂઆત કરી. ગંગાસાગરમાં ઈસ્ટર્ન ફ્રન્ટ ડિફેન્સ દરમિયાન, લાન્સનાયક એલ્બર્ટ એક્કાએ પોતાના લશ્કર સાથે ક્ષત્રુઓ પર હુમલો કર્યો. અહીં ક્ષત્રુઓનો કેમ્પ ખૂબ જ મજબૂત હતું તેમ છતાં એલ્બર્ટ એક્કા તેની ટીમ સહિત શત્રુઓ પર ત્રાટક્યા. એલ્બર્ટે જોયું કે એક દુશ્મન એલએમજી નો ઉપયોગ કરીને તેની ટીમને ભારે નુકસાન પહોંચાડી રહ્યો છે.
એલ્બર્ટે તરત જ એ તુચ્છ પર તરાપ મારી અને એકલા હાથે જ તેનો જીવ લઈ લીધો. સાથે જ એલએમજી ની સાથે જે બીજા દુશ્મનો હતા તેમને પણ ઘાયલ કરી દીધા . એકનો જીવ લીધા પછી પણ એલ્બર્ટ થોભ્યા નહીં તેમને ગંભીર ઈજા થઈ હોવા છતાં તેઓ આગળ વધ્યા. ત્યાં બીજી બાજુ એક દુશ્મનએ એમએમજી ગનથી તેમની ટીમ પર ગોળીબાર શરૂ કરી દીધો.
આ દ્રશ્ય જોયા બાદ એલ્બર્ટ એક્કાએ હાથમાં ગ્રેનેડ લઇને એ દુશ્મન પર હુમલો કર્યો આ ઉપરાંત એમએમજી ગનધારક દુશ્મનને પણ મોતના ઘાટએ ઉતારી દીધો. તેમજ તે દુશ્મનના સાથીઓને પણ ઘાયલ કરી દીધા. ગ્રેનેડ દ્વારા દુશ્મનોના હથિયાર નષ્ટ કર્યા બાદ પણ એક્કાએ પોતાની લડત ચાલુ રાખી અને પોતાની ટુકડીની રક્ષા કરી.
આ લડાઈમાં તેઓએ પોતાની ટુકડીના મિશનને કામયાબી અપાવામાં ખૂબ જ મોટી ભૂમિકા નિભાવી. તેઓ એકમાત્ર બિહારી હતા કે જેમને પરમવીર ચક્રથી સન્માનિત કરવામાં આવ્યા.