બે દિવસ પહેલા સાંજના સમયે હું રાજકોટમાં સૂર્યમુખી હનુમાન ચોક પાસેથી પસાર થઈ રહ્યો હતો. આ ચોકમાં ટ્રાફિક ખુબ રહે છે એટલે જ કદાચ ટ્રાફિક બ્રાન્ચ દ્વારા ટ્રાફિક કંટ્રોલ કરવા આ ચોકમાં 4 જેટલા ટ્રાફિક ગાર્ડ મુક્યા હશે.
સફેદ શર્ટ અને બ્લુ પેન્ટ પહેરેલા આ ટ્રાફિક ગાર્ડનું કામ ટ્રાફિકને કંટ્રોલ કરવાનું છે પણ એમને સોંપાયેલુ મૂળ કામ એક બાજુ મૂકીને એ તો બધા વાહન ઉભા રાખી ડ્રાઇવિંગ લાઇસન્સ અને બીજા કાગળ ચેક કરવાનું કામ કરતા હતા.
એક જાગૃત નાગરિક દ્વારા પોલીસ કમિશ્નરશ્રીને આરટીઆઇની અરજી કરીને એવું પૂછવામાં આવેલું કે ટ્રાફિક ગાર્ડને વાહન રોકવાની કે લાઇસન્સ કે બીજા ડોક્યુમેન્ટ ચેક કરવાની સતા છે ? જવાબમાં પોલીસ કમિશ્નરશ્રીએ જણાવ્યું હતું કે ના આવી કોઈ સતા ટ્રાફિક ગાર્ડને આપવામાં આવી નથી.
આ હું એટલા માટે લખી રહ્યો છું કારણકે આવું એક જગ્યાએ નહિ અનેક જગ્યાએ અને જુદા જુદા શહેરમાં પણ જોયું છે કે ટ્રાફિક ગાર્ડ એનું મૂળ કામ એક બાજુ મૂકીને વાહન ઉભા રાખવાનું અને એના લાઇસન્સ વગેરે ચેક કરવાનું કામ કરે છે. જો આપણે એમને એમનું મૂળ કામ યાદ નહિ અપાવીએ તો એનામાં લોકોને હેરાન કરવાની હિંમત વધતી જશે. કોઈ જગ્યાએ કાયમી પોલીસ અધિકારી સાથે હોય તો હજુ પણ સમજ્યા કે સ્ટાફના અભાવે આ લોકોની મદદ લેવામાં આવતી હોય પણ અમુક જગ્યાએ તો માત્ર ટ્રાફિક ગાર્ડ જ હોય અને વાહન ઉભા રાખી કાગળ જોવાના બહાને તોડ કરતા હોય.
કેટલાક ટ્રાફિક ગાર્ડ એની ફરજો પૂરી પ્રામાણિકતાથી બજાવે છે. આ ઉનાળામાં 42 ડીગ્રિ તાપમાનમાં પણ છાયા વગર ચોકમાં ઉભા રહીને ફરજ બજાવતા યુવાનોને જોયા છે. આવા ફરાજનિષ્ઠ ટ્રાફિક ગાર્ડને દિલથી વંદન પણ સાથે સાથે પોલીસ પ્રત્યે સામાન્ય લોકોના ડરનો ગેરલાભ ઉઠાવતા ટ્રાફિક ગાર્ડને એની ફરજો યાદ કરાવવી જરૂરી છે.
પોલીસ મિત્રોને પણ સ્ટાફની સમસ્યા ખુબ નડે છે. પૂરતા સ્ટાફના અભાવે ટ્રાફિક ગાર્ડની કદાચ મદદ લેવી પડે તો પણ લોકો સાથે સભ્યતાથી કેમ વાત કરાવી એ સમજાવવું જોઈએ.
જાગૃત નાગરિક તરીકે એટલું ધ્યાનમાં રાખજો કે સફેદ શર્ટ અને બ્લુ પેન્ટ વાળા ટ્રાફિક ગાર્ડને લાઇસન્સ ચેક કરવાની કે કાગળ માંગવાની કોઈ જ સત્તા નથી.