ગામડામાંથી શહેરમાં ભણવા માટે આવેલી દિકરી પર લખાયેલો એક પિતાનો પત્ર ( આ કાલ્પનિક પત્ર છે પણ સમજવાનો પ્રયાસ કરશો તો આ એક સામાન્ય લાગતો કાગળ ઘણું ઘણું કહી જાય છે.)
મારી લાડકી દિકરી……
બેટા, તને ભણવા માટે શહેરમાં મુકી પણ તારી ગેરહાજરીથી આખુ ઘર મને ખાલી-ખાલી લાગે છે. આ ખાલીપો મને મંજૂર છે કારણકે મારી લાડકડીને મારે ઉંચા પદ પર જોવી છે. તારી બાએ જે તકલીફો સહન કરી છે એ તારે ના કરવી પડે એટલે તને ભણવા માટે શહેરમાં મુકી છે. બેટા, જાત-જાતની વાતો સાંભળીને અને છાપાઓમાં વાંચીને કેટલાય દિવસથી અંતર વલોવાતું હતું એટલે આજે તને કાગળ લખવા બેઠો છું.
મારી ઇચ્છા હતી હે હું તને ગર્લ્સ હોસ્ટેલમાં જ રાખુ જેથી તું સમુહજીવનના પાઠ ભણી શકે. સાચુ કહુ તો તારી બાની હોસ્ટેલમાં દાખલ કરવાની ઇચ્છા અને આગ્રહ બન્ને હતા કારણકે એક મા તરીકે એને તારી કેટલીક ચિંતાઓ હતી. આમ છતા તારી ઇચ્છા મુજબ મેં તને હોસ્ટેલમાં રહેવાના બદલે રુમ રાખીને રહેવા માટેની છુટ આપી કારણકે મને મારી લાડકી દિકરી પર પુરો વિશ્વાસ છે.
બેટા, છાપામાં એક સમાચાર વાંચ્યા કે ગામડામાંથી શહેરમાં આવતા છોકરા-છોકરીઓ ભણવાના બદલે બાગ-બગીચામાં રખડ્યા કરે છે. ભણવામાં ઓછુ અને મોજમજામાં વધુ ધ્યાન આપે છે કારણકે એના પર ધ્યાન રાખનાર માતા-પિતા હાજર નથી હોતા. આવા બધા સમાચારો વાંચ્યા પછી મારા પેટનું પાણી પણ નથી હલતુ કારણકે મને મારી લાડકી દિકરી પર પૂરો વિશ્વાસ છે.
કેટલાક લોકો એવી વાતો કરતા હોય છે કે ગામડામાંથી શહેરમાં આવેલી છોકરીઓ વૈભવી જીવન જીવવા માટે ન કરવાના કામો પણ કરે છે. બેટા, ગામડામાં આપણે ભલે સાવ નાના મકાનમાં રહેલા હોઇએ પણ આબરુ બહુ મોટી છે. સારા સારા કપડા, મોબાઇલ, બાઇક કે કારમાં ફરવા માટે સંસ્કારો સાથે સમજૂતિ કરી લેતી છોકરીઓની વાતો સાંભળીને પણ મને કંઇ જ થતુ નથી કારણકે મને મારી લાડકી દિકરી પર પૂરો વિશ્વાસ છે.
હમણા એક ભાઇ વાત કરતા હતા કે ‘હું એક હોટલમાં રોકાયો હતો. મેં ત્યાં સગી આંખે જોયુ કે એક કલાકમાં 7 છોકરા છોકરીની જોડી હોટેલમાં આવી અને રીશેપ્શન પરથી એને આસાનીથી રુમ પણ મળી ગયો. આ બધા જ છોકરા-છોકરીઓ કોલેજમાં ભણનારા હતા. છોકરીઓ મોઢુ ના દેખાય જાય એટલે મોઢા પર ચૂંદડી બાંધીને આવતી હતી.’ મેં આ વાત તારી બાને કરી તો એ ઢીલી થઇ ગઇ પણ મને કાંઇ ના થયુ કારણકે મને મારી લાડકી દિકરી પર પુરો વિશ્વાસ છે.
થોડા દિવસ પહેલા ટીવીમાં એક સમાચાર આવતા હતા કે આજકાલ વિદ્યાર્થીઓ લાઇબ્રેરીમાં દેખાય છે એના કરતા રેસ્ટોરન્ટમાં વધુ દેખાય છે. કોઇને કોઇ બહાનાથી વારંવાર જાત-જાતની અને ભાત-ભાતની પાર્ટીઓ થાય છે અને ઘણીવખત તો મોડી રાત સુધી આવી પાર્ટી ચાલ્યા કરે છે. ટીવીમાં તો એવુ પણ બતાવતા હતા કે છોકરાઓની સાથે સાથે છોકરીઓ પણ સીગારેટ પીવા લાગી છે. બેટા, તારો મોટોભાઇ મને કહે,”પપ્પા, બહેન તો ભણવામાં ધ્યાન આપતી હશે ને ?” મેં કહ્યુ, “આપણે દિવસ-રાત કેવી કાળી મજૂરી કરીને એને ભણાવીએ છીએ એ તારી બહેન સારી રીતે જાણે છે.” ટીવીના આ સમાચાર પછી ઘણા મા-બાપ વિચારે ચડ્યા હશે પણ મને કંઇ ના થયુ કારણકે મને મારી લાડકી દિકરી પર પૂરો વિશ્વાસ છે.
હજુ ગઇકાલે જ તારી બા મને કહેતી હતી કે ‘આપણી શેરીમાં રહેલી પેલી છોકરી શહેરમાં ભણીને આવી છે. ડીગ્રી તો મળી ગઇ પણ ભણવાને બદલે હરવા-ફરવામાં રહી એટલે જ્ઞાનના અભાવે હવે નોકરી મળતી નથી.હવે એના લગ્નની વાત ચાલે છે પણ એને તો શહેરમાં જે જીવન જોયુ અને જીવ્યુ એવો જ છોકરો જોઇએ છે. પણ લાયકાત અને હેસિયત વગર એવો છોકરો તો ક્યાંથી મળે એટલે એના મા-બાપને બહુ ચિંતા થાય છે.’ તારી બાને પણ કદાચ તારી બાબતમાં આ જ ચિંતા હશે એવુ લાગ્યુ પણ મને કોઇ જ ચિંતા નથી કારણકે મને મારી લાડકી દિકરી પર પૂરો વિશ્વાસ છે.
બેટા, આપણા ગામમાં શાકભાજી વેંચતા પેલા પશાકાકાને તું ઓળખે છે ને ? એની દિકરીને પશાએ પેટે પાટા બાંધીને ભણવા માટે મોટા શહેરમાં મોકલેલી. ગયા અઠવાડીએ એ છોકરીએ બીજા કોઇ છોકરા સાથે લગ્ન કરી લીધા. પશાને બીચારાને જાણ પણ ના કરી આ તો છાપામાં બંનેના ફોટા આવ્યા ત્યારે ખબર પડી. પશો રોઇ રોઇને અડધો થઇ ગયો. આ વાત સાંભળી ત્યારે મને એક સેકન્ડ માટે તારો ચહેરો દેખાણો પણ પછી તરત જ મનમાંથી વિચાર કાઢી નાંખ્યો કારણકે મને મારી લાડકી દિકરી પર પૂરો વિશ્વાસ છે.
બેટા, કાગળ થોડો લાંબો લખ્યો છે એટલે તને વાંચવામાં તકલીફ પડી હશે એ માટે મને માફ કરજે. બેટા, તને હાથ જોડીને એક જ વિનંતી કરુ છું કે તને આપેલી સ્વતંત્રતા, સ્વચ્છંદતા ના બની જાય એ જોજે. મારી અને આપણા પરિવારની આબરુ તારા હાથમાં છે એનું ધ્યાન રાખજે. હું હંમેશા તારી સાથે જ છું અને તારી સાથે જ રહીશ પણ બેટા, મારો વિશ્વાસ તુટવા નહી દેતી. એવુ કંઇ ન કરતી કે બીજા કોઇ મા-બાપ એની દિકરીને ભણવા માટે શહેરમાં મોકલવાનું માંડી વાળે. બેટા, આપણા પરીવારની આબરુની સાથે સાથે ગામડાની અસંખ્ય હોશીયાર દિકરીઓનું ભવિષ્ય પણ તારા હાથમાં છે એ યાદ રાખજે.