દેવીદાસ બાપુનું પરબ ધામ. ઈસના ૧૮માં સૈકાના સમય પ્રવાહો સૌરાષ્ટ્ર પ્રદેશ માટે કપરા પસાર થયાનું ઇતિહાસકારો નોંધે છે. આ સમયે પ્રર્વતેલા દુષ્કાળથી કચ્છ અને સિંધ પ્રાંતમાંથી દુકાળગ્રસ્ત માનવ સમુદાય સૌરાષ્ટ્રમાં ઉતરી પડેલો અને ભુખ તરસ સંતોષવા ચારે તરફ ફરતો રહેતો.
વારંવાર પડેલી કુદરતી આફતોના આ કપરા સમયમાં સોરઠના અનેક સંતોએ માનવતા દાખવી પોતાનાં સ્થાન અમર કર્યા છે અને દરેક માનવીને એક સરખો ગણી, નાતજાતના ભેદભાવ ન રાખવા, ભૂખ્યાને આશરો અને રોટલો આપવાનો, માનવીના સેવા ધર્મનું અનુકરણ કરવાનો સંદેશો આપી ગયા છે.
જલારામ ભગતનું વીરપુર, ગીગા ભગતનું સતાધાર, શ્રી નાથજીદાદાની જગ્યા – દાણીધાર અને દેવીદાસ ભગતનું પરબ માનવ સેવાનો સંદેશો આપતાં જાગતાં સ્થાન છે. જે પાપને નિવારે છે, હિતની યોજના કરે છે, ગુણોને પ્રકટ કરી પ્રકાશ આપે છે, આપદ્ વેળાએ આશરો અને સહાય કરે છે, આવા દૈવી ગુણોવાળા માનવને આપણે સંતો કહીએ છીએ તેમના વિષે શું લખી શકાય? સંતોના આ જાગતા સ્થાનકોની માનતા પુરી થતા દર્શન અને પ્રસાદ લેવા આવતો જનસમુહ જ પ્રત્યક્ષ પ્રમાણ છે.
જૂનાગઢ શહેરથી ૪૦ કિલોમીટર સડક રસ્તે આવેલું પરબનું સ્થાન સૌરાષ્ટ્રની સિદ્ધભૂમિની શોભા છે. આ સ્થાન મહાભારતના સમયકાળના સરભંગ ઋષિનો પ્રાચીન આશ્રમ હોવાનું મનાય છે. આ આશ્રમની પશ્ચિમે રાણપુર, પૂર્વમાં વાવડી તેમજ આજુબાજુ ભેંસાણ અને ખંભાળીયાના આ ગામોનો રાજમાર્ગ આ સ્થાનક પાસેથીજ નીકળે છે.
બિરદ અપના પાળતલ,
પૂરન કરત સબ આશ,
જાકો જગમેં કોઈ નહિ,
તાકો દેવીદાસ.
આવી પ્રચલિત લોકોક્તિ વડે જાણીતા પરબના આ સ્થાનકનું બે સૈકા પૂર્વે ચૈતન્ય જાગતું કરનાર દેવીદાસનું સંતજીવન પૂર્વેનું નામ દેવો ભગત હતું. તેમના પિતા પુંજા ભગત અને માતા સાજણબાઇ ભાવિક શ્રદ્ધાળુ રબારી દંપતી હતા. દેવા ભગતે માનવસેવાની શરૂઆત છોડવડી ગામેથી શરૂ કરી હતી. તેમના ગુરૂ જેરામભારથી ગિરનારના સંત મહાત્મા હતા અને તેમાં લામડીધાર ઉપર તેમના બેસણા હતા.
ગિરનારજીની આસપાસ ફરતાં પર્વતો આવેલા છે, તેમાં ઉત્તરેથી જતાં ઉત્તર રામનાથ, બાબરીયો, ખોડીયાર, લાખામેડી, કાબરો, કનૈયો અને ગધેસંગ નામના પર્વતો આવેલા છે. ગધેસંગ પર્વતનો આકાર સીધો સપાટ દિવાની શગ જેવો છે તેની પાછળ લામડીધાર છે. સંત જેરામભારથીના આ ધાર ઉપર બેસણા હતા. આ ઉપરાંત દક્ષિણેથી જતાં દક્ષિણ રામનાથ, ટટાકીયો, ભેસલો, અશ્વસ્થામાનો પહાડ, દાતારનો પહાડ, લક્ષ્મણ ટેકરી, મંગલાચલ, રેવતાચલ, જોગણીયો વિગેરે ગિરિ પર્વતો વચ્ચે ગિરનારજી છે. આ રમણીય પર્વત શૃંગો વચ્ચે થઈને હજારો વર્ષથી ભાવિકો પુરાણા અને પવિત્ર ગિરિનારાયણ ગિરનારજીને ફરતી પરિક્રમા કરે છે.
આ ભાવિક યાત્રાળુઓનો પ્રથમ વિશ્રામ ઉત્તર રામનાથ ઉપર આવેલ જીણાબાપુની મઢીએ થતો હતો. જીણાબાપુ સરળ પ્રકૃતિના વયોવૃદ્ધ સાધુ હતા. તેથી આ મઢીએ ઘણા સંતો પધારતા હતા. તેમના સમકાલીન પ્યારાબાવા, લોહલંગરીજી, યોગીની માતા, કમંડલકુંડના હંસગીરીજી, મુસ્લીમ સંત નુરાસાંઈ અને જેરામભારથી વિગેરે સંતો હતા. દેવા ભગત આ સંત મહાત્મા વચ્ચે શ્રદ્ધાથી યાત્રીકોની સતત સેવા કરતા રહેતા.
આથી એક દિવસ દેવા ભગતની શ્રદ્ધા અને માનવ સેવાથી આ ગિરનારી સંત જેરામભારથી પ્રસન્ન થયાં અને દેવા ભગતને કહે કે, દેવા ભગત, આજસે તુમ દેવીદાસ હોતે હો. તુમ એક યોજન દુરી કે પાસ જાઓ, લોગ સરભંગ ઋષિ કા આશ્રમ બતાતે હૈ વહાં પર દત્ત મહારાજકા ધુના કંઈ બર્ષો સે સુના પડા હૈ, ઉધર જાઓ ઔર સુનો સબસે બડા ધરમ યહી હૈ કી અભ્યાગતો કી, અનાથો કી સેવા કરના. જાઓ વહાં ટુકડા રોટી દેતે રહેના. આવા પ્રસન્ન થયેલ ગુરૂના આશીર્વાદ સાથે અપરિગ્રહ વ્રત રાખીને આ સ્થાનકે પહોંચવા દેવા ભગતે તરતજ પ્રસ્થાન કર્યું.
સરભંગ ઋષિના પુરાતન આશ્રમ સમીપે દેવીદાસબાપુ આવ્યા, એ સમયે અહીં મંદિર કે દેવમુર્તિ જેવું કંઈ ન હતું લીમડા નીચે મેકરણ કાપડીનો ધુણો અને ત્રિશુળ હતાં. તેમજ ત્રણ અણઘડાયેલ આરામગાહ હતી. તેમણે પવિત્ર ધુણામાં અગ્નિ પ્રગટાવી ધુણો ચેતનવંતો કર્યો અને લીમડા ડાળે ધજા ફરકતી કરી આ સ્થાનકને આપણે આજે દેવીદાસજીની પરબના નામથી ઓળખીએ છીએ. બસો વર્ષ જૂના આ સમાધી મંદિર ઉપર નૂતન મંદિર આ જગ્યાના મહંતશ્રીની દેખરેખ નીચે આકાર લઈ રહ્યું છે. અહીં દાદા મેકરણનો – સાદુદ પીરનો ઢોલીયો, પરબકુંડ, કરમણપીર અને દાનેવપીરની સમાધી અહીં છે.
સત્ ધરમને પામવા કરવા અદ્યતમ નાશ
ઘર ‘પરબ‘ પર પ્રગટયા નકલંક દેવીદાસ.
અનેક યાત્રાળુઓ પરબના આ સ્થાનને વંદન કરવા આવે છે અને પ્રસાદ ગ્રહણ કરે છે.
પરબ ની જગ્યા એટલે આપણે સંત દેવીદાસ ની જગ્યા તરીકે ઓળખીયે છીયે. આ એક અતિ પ્રાચીન જગ્યા છે. ઋષિ શરભંગ પોતાની છેલ્લી અવસ્થા માં પોતાના રક્તપિત ના દર્દમાં શાંતિ મેળવવા અંહિ આવી ને રહેલા. તેથી આ જગ્યા ઋષિશરભંગ ના ધુણા તરીકે પણ ઓળખાય છે.
જેમ ગોંડલ અને દુધરેજ ની જગ્યા માં દાતણ ની ચીર માંથી પ્રગટેલ વટવ્રુક્ષો સંતો ની પ્રસાદી રૂપે ઉભા છે તેમ અંહિ પરબ ધામ માં મક્કા મદીના થી લાવેલ આંબલી ના દાતણ ની પ્રસદી આજે પણ ઘેઘુર આંબલી નું વ્રુક્ષ રૂપે ઉભું છે.
“સત્ત દેવીદાસ” શબ્દ થી દીન, ભુખ્યા, તરસ્યા, રક્તપીતીયા, કોઢીયા, તરછોડાયેલા અને નિરાધાર સૌ લોકો મટે અંહિ પરબ બંધાયેલુ છે. આ પરબ ના બંધનાર હતા સંત દેવીદાસ.
સંત દેવીદાસજી એ શ્રી રામભારથી પાસેથી ઉપદેશ લિધો હતો. શ્રી લોહંગસ્વામીજી એ તેમને આદેશ આપેલો કે વાવડી ગામ ની સીમ માં દત્તાત્રેય નો ધુણો છે અને સંત જસા વળદાન ની સમાધી છે ત્યાં જઈ જગ્યા બાંધ અને જગત જેને પપિયા ગણી ફેંકી દે છે તેને રોટલો ખવડાવ અને તેમની સેવા કર.આમ શ્રી દેવીદાસજી એ ધર્મ ની ઈમારત ઊભી કરી. આમા શ્રી અમરબાઈમાં તથા સાદુળભગત નો સાથ મળ્યો. માં ગંગાબાઈ જેવા સંત પણ અંહિ મહંત સ્થાને આવ્યા અને અનેક ભક્તો એ અંહિ દિક્ષા સ્વિકારી છે. આ પરંપરા અને પરીવાર ના સંતો પરબીયા શાખા થી ઓળખાય છે.