આલોક સાગર, દિલ્હીના એક શિક્ષિત અને ધનવાન પરિવારમાં જન્મેલો બાળક હતો. એના પિતા IRS ઓફિસર હતા અને માતા ભૌતિકશાસ્ત્રના પ્રોફેસર હતા. આલોક ભણવામાં ખૂબ તેજસ્વી હતા. 1973માં એણે IIT દિલ્હીમાંથી ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ પૂરું કર્યું અને પછી આ જ યુનિવર્સીટીમાંથી એણે M.Tech. કર્યું. આલોક પીએચડી કરવા માટે અમેરિકા ગયા. પીએચડી પૂરું કર્યા બાદ ડો.આલોક સાગર ઇચ્છે તો અમેરિકામાં કારકિર્દીની સુવર્ણ તક હતી પણ એને દેશ માટે કંઈક કરવું હતું એટલે ભારત પાછા આવી ગયા.
IIT દિલ્હીમાં જ પ્રોફેસર બની ગયા. ભારતીય રિઝર્વ બેન્કના પૂર્વ ગવર્નર રઘુરામ રાજન જેવા કેટલાય વિદ્વાનો ડો. આલોકના વિદ્યાર્થી રહી ચૂક્યા છે. IITના અતિ તેજસ્વી વિદ્યાર્થીઓને ભણાવે પણ દિલ તો કંઈક જુદી જ ઝંખના કરતુ હતું. ડો. આલોક દેશના સાવ સામાન્ય અને ગરીબ લોકોની સેવા કરવા ઇચ્છતા હતા. 1982માં એમણે પ્રોફેસર તરીકે રાજીનામુ આપી દીધું અને આ ઓલિયો નીકળી પડ્યો ગરીબોની સેવા કરવા.
મધ્યપ્રદેશના બેતુલ અને હૉશનગાબાદ જિલ્લાના આદિવાસી વિસ્તારમાં એની સેવાકીય પ્રવૃત્તિ ચાલુ કરી. 50000થી વધુ વૃક્ષો વાવીને પર્યાવરણની પણ અદભૂત સેવા કરી. દેશનો એક અતિ શિક્ષિત માણસ છેલ્લા 34 વર્ષથી આદિવાસી બનીને આદિવાસીઓની સેવા કરી રહ્યો છો. સાયકલ પર જે માણસના આપ દર્શન કરી રહ્યા છો એ ફકીર જેવો લાગતો માણસ ડો.આલોક સાગર છે.
આપણી પાસે તો સામાન્ય પદવી અને નાની નોકરી હોય તો પણ અહંકાર આભને આંબતો હોય છે અને આ માણસ એની વિદ્વતાને એકબાજુ મૂકીને કામ કરી રહ્યો છે. આ માણસ આટલો વિદ્વાન છે એની કોઈને ખબર જ પડવા નથી દીધી. ક્યારેય એણે કોઈને પોતાના ઉચ્ચ અભ્યાસની કે નોકરીની વાત કરી જ નથી. આતો પોલીસને આ માણસની કામગીરી શંકાસ્પદ લાગતા તપાસ કરી તો આ બધી બાબત જાણવા મળી.
આજના યુગમાં લોકોને સેવા કરવાને બદલે પોતાની હોંશિયારી અને વિદ્વતા બતાવવાનો નશો ચડ્યો છે ત્યારે વિદ્વતાને ભોમાં ભંડારીને સેવા કરતા ડો. આલોક સાગર જેવા સંતપુરુષને વંદન.