Wednesday, 18 October 2017

Blog No Baap

એક કૃત્રિમ પગ સાથે શરુ થયેલી ‘આશા માટેની મેરોથોન’ દોડ


કેનેડામાં રહેતો એક બાળક કેન્સરના રોગનો ભોગ બન્યો. કેન્સરને આગળ વધતું અટકાવવા માટે એનો એક પગ કાપી નાખવામાં આવ્યો. નાની વયમાં જ એક પગ ગુમાવવાથી આ બાળક નિરાસ થઇ ગયો હતો. હોસ્પીટલની પથારીમાં પડ્યો પડ્યો એ પોતાના ધુંધળા ભવિષ્યનો વિચાર કરીને ગભરાય રહ્યો હતો બાળકની ખબર પુછવા માટે એના એક શિક્ષક આવ્યા.

શિક્ષક પોતાની સાથે એક સામયિક લાવ્યા હતા. સામયિકમા ન્યુયોર્ક મેરોથોન પુરી કરનાર ડીક ટોમની જીવન કહાની છપાયેલી હતી. ડીક ટોમ એક પગે અપંગ હતો આમ છતા આત્મવિશ્વાસ અને હિંમતના સહારે એણે મેરેથોન જેવી લાંબા અંતરની દોડ પુરી કરી હતી એની રસપ્રદ વાતો આ સામયિકમાં છપાયેલી હતી.

ડીક ટોમની આ આત્મવિશ્વાસની કથા વાંચીને પેલા બાળકને પણ કંઇક નવું કરવાની ઇચ્છા થઇ. જો ડીક ટોમ અપંગ હોવા છતા દોડી શકતો હોય તો હું પણ જે ધારુ તે કરી શકુ ! આવા વિચારે એ બાળકમાં એક નવી ચેતના જ્ન્માવી.

એ છેલ્લા કેટલાક સમયથી હોસ્પીટલમાં હોવાથી અહીં એણે કેન્સરથી પીડાતા અનેક બાળ દર્દીઓની વ્યથા પોતાની સગી આંખે જોઇ હતી. એણે વિચાર્યુ કે મારે કેન્સર નિદાનના સંશોધન માટે 1 મિલિયન ડોલરનું ભંડોળ એકઠું કરવું છે અને આ માટે હું સમગ્ર કેનેડામાં દોડ લગાવીશ. એનો એક પગ તો કાપી નાંખવામાં આવ્યો હતો આથી કૃત્રિમ પગ લગાવીને એની મદદથી દોડવાની પ્રેકટીસ એણે શરુ કરી.

શરુઆતમાં તો ખુબ જ તકલિફ પડી. દોડે એટલે અસહ્ય પીડા થાય. કેટલીક વખત તો પીડા એટલી વધી જાય કે દોડવાનો વિચાર પડતો મુકવાનું મન થાય પણ ડીક ટોમની વાત યાદ આવતા જ પીડાને ભૂલી જઇને ફરીથી પ્રેકટીસ શરુ કરે.

આ બાળક બહું પ્રયાસ કરે ત્યારે રોજ એક કીલોમીટર માંડ દોડી શકે જ્યારે એને તો સમગ્ર કેનેડામાં દોડ લગાવાવી હતી. હિંમત હાર્યા વગર લક્ષ્યને નજર સમક્ષ રાખીને એણે પ્રયાસો ચાલુ રાખ્યા જેના ફળ સ્વરુપે એ ધીમે ધીમે રોજના 20 માઇલ જેટલું દોડતો થયો.

1980ના એપ્રિલ માસમાં એણે પોતાના સ્વપ્નને સાકાર કરવા દોડ શરુ કરી. આ દોડને નામ આપ્યુ “મેરેથોન ઓફ હોપ”. એક કૃત્રિમ પગ સાથે શરુ થયેલી ‘આશા માટેની મેરોથોન’ દોડ એકાદ બે દિવસ નહી પણ પુરા 143 દિવસ સુધી ચાલી અને રોજના સરેરાશ 23 માઇલનું અંતર કાપ્યુ.

કેન્સર પિડીત આ બાળકે બીજા કેન્સરના દર્દીઓને રાહત આપવા માટે શરુ કરેલા પ્રયાસોના પરિણામ સ્વરુપે 24 મિલિયન ડોલરનું ભંડોળ એકત્ર કર્યુ, એણે નક્કિ કરેલા લક્ષ્યાંક કરતા 24 ગણું વધારે.

અનેક લોકો માટે પ્રેરણાનું ઉત્કૃષ્ટ ઉદાહરણ પુરુ પાડનાર આ જગપ્રસિધ્ધ કેનેડીયન બાળકનું નામ છે ‘ટેરી ફોકસ’

ગુજરાતીમાં એક કહેવત છે ‘મન હોય તો માળવે જવાય’. પરમાત્માએ પ્રત્યેક માણસને અદભૂત શક્તિઓનો સ્વામી બનાવ્યો છે પણ માણસ નાની-નાની મુશ્કેલીઓની સામે હાર માનીને પોતાના હથીયાર હેઠા મુકી દે છે. પણ જે માણસ જીંદગી સામે જંગ માંડે છે એ અવશ્ય પણે એમાં સફળ થાય જ છે એના ઘણા ઉદાહરણો તમારી આસપાસ જ જોવા મળશે.

હેઠે પડ્યા પછી જે પડી જ રહે એને માટી કહેવાય પણ જે પડ્યા પછી પડી રહેવાને બદલે ફરીથી ઉભો થવાનો પ્રયાસ કરે એને માણસ કહેવાય. આપણને માણસ મટીને માટી થઇ ગયા હોય એવુ લાગે કારણકે નીચે પડ્યા પછી ઉભા થનારાની સંખ્યા કરતા નીચે પડ્યા પછી પડી જ રહેનારાઓની સંખ્યા વધુ છે. જે માણસ ઉભો થવાનો પ્રયાસ કરે છે એને ભગવાન પણ પરોક્ષ રીતે મદદ કરતા જ હોય છે.

મારા ગામમાં ગોરધનભાઇ શામજીભાઇ ચાંગેલા નામના એક સજ્જન હતા. એ ગામના સરપંચ તરીકે પણ પ્રસંશનિય કામગીરી કરી ચૂક્યા હતા. એમને કેન્સર થયુ અને ડોકટરોએ એ હવે લાંબુ નહી ખેંચે એવી આગાહી કરી દીધેલી. પણ હાર માનીને બેસી જાય એવો આ માણસ નહોતો એમણે મજબુત મનોબળ સાથે કેન્સર સામેની લડાઇ ચાલુ કરી. આ લડાઇમાં ગોરધનભાઇ એમના અંતિમ શ્વાસ સુધી હિંમતપૂર્વક જીવ્યા અને ડોકટરે જે આગાહી કરી હતી એના કરતા તો ખુબ લાંબુ જીવ્યા.

હાર માનવાને બદલે આવેલી પરિસ્થિતીનો હિમતપૂર્વક સામનો કરીએ.

Blog No Baap

About Blog No Baap -

Since 2016 BlogNoBaap has been bringing you the very best in all types of web resources. Posted daily, and delivered straight to your inbox each morning.

Subscribe to this Blog via Email :